LCB-2ની ટીમ દ્વારા ચાંદખેડાના છારાનગરમાં બુટલેગર દ્વારા જમીનની અંદર દાટેલો ઇંગલિશ દારૂ શોધી કાઠ્યો..
અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલ સવિતા નગરમાં બુટલેગરના ઘરની બહાર ખાડો ખોદીને સંતાડવામાં આવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે ત્યારે ઝોન-2 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ચાંદખેડાના છારાનગર સ્થિત સવિતા નગર વિસ્તારમાં કેટલાક ગુનેગારોએ પોતાના ઘર પાસે ખાડા ખોદીને તેમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે જેના આધારે પોલીસે તાત્કાલિક આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં પોલીસે કેટલીક શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરાવતા જમીનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
એક દિવસ પહેલાં જ અમદાવાદ જિલ્લાનાં અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બારેજા ગામમાંથી ટોઈલેટ કમોડ નીચે છુપાવેલો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર બુટલેગરોની આવી રીતે દારુ સંતાડવાની તરકીબોનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે અહીંથી 229 જેટલી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન કબજે કર્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારુ બે મહિલા સહિત ત્રણ બુટલેગરોએ છુપાવ્યો હોવાથી પોલીસે રમીલાબેન જાડેજા, રશ્મિબેન જાડેજા અને ભરત રાઠોડને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.