ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિરાટનગર બ્રિજ પાસે મર્સિડીઝ કાર માંથી બિલ્ડરની ડેડ બોડી મળી.
ઓઢવમાંથી મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળી આવી
*અમદાવાદ:* શહેરમાં વધુ એક હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં ઓઢવ વિસ્તારમાં એક મર્સિડીઝ કારની ડેકીમાંથી દુર્ગંધ મારતી હાલતમાં એક બિલ્ડરની લાશ મળી આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વ્યક્તિની ઓળખ હિંમતભાઈ રૂડાણી (ઘંટી) તરીકે થઈ છે, જેઓ બિલ્ડર તરીકેનો વ્યવસાય કરતા હતા. તેમની લાશ એક મર્સિડીઝ કારની ડેકીમાં બંધ હાલતમાં હતી અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવવાને કારણે આસપાસનાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ઓઢવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે કારને સીલ કરીને ફોરેન્સિક ટીમને બોલાવી છે. ફોરેન્સિક તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ, હત્યારાઓ અને લાશને અહીં કેમ છોડી દેવામાં આવી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી શહેરના બિલ્ડર લોબીમાં પણ ખળભળાટ મચી ગયો છે.
પોલીસે મૃતકનાં પરિવારજનોનો સંપર્ક કરીને તેમના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા અંગત અદાવત, વ્યવસાયિક સ્પર્ધા કે અન્ય કોઈ કારણોસર થઈ છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.