અમદાવાદના વાડજમાં મહિલાની હત્યા, શું મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી??
વાડજમાં એક મહિના પહેલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી દાગીના લૂંટી લેનારા 2 પાડોશી યુવકની પોલીસે ધરપકડ કરી છે જેમાં બંને આરોપીઓને પૈસાની જરૂર હોવાથી તેઓ ૧ જૂનની મોડી રાતે ફુલીબેન ઓડનાં ઘરે ઘુસ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના માટે હત્યારાઓએ તેમના ઘરનું લાઈટનું કનેકશન કાપી અંધારુ કરી દીધુ હતુ બાદમાં મહિલાના ગળા, છાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ મહિલાના શરીર પરના દાગીના તેમજ ઘરમાં રહેલા પૈસા અને દાગીના લુંટી ફરાર થઇ ગયા હતા. આ સમયે માતાને બચાવવા ગયેલા યુવકને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા.
હત્યાની ઘટનાને પગલે પોલીસ કાફલો તાત્કાલિક અહી પહોચ્યો હતો અને વાડજ પોલીસની સાથે ડીસીપી ઝોન-૧ ડીસીપી સ્કવોર્ડ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલ ટાવરની રેંજમાં આવેલા ૪૦૦થી પણ વધુ મોબાઇલ નંબરની વિગતોના આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ દરમિયાન વૃદ્ધાના નજીકમાં રહેતો રાહુલ ઓડ નામનો યુવક શંકાના ઘેરાવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે તેની અટકાયત કરીને આકરી પુછપરછ કરતાં બંને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો. બંને આરોપી ફુલીબેનના ઘરથી માત્ર 4 ઘર છોડીને જ રહેતા અને લોડીંગ ટેમ્પો ચલાવતા હતા.