4 આંતકવાદીઓ ગુજરાત ATS નાં સિકંજામાં !!!
અલકાયદાના આતંકવાદી મોડ્યૂલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાના આરોપસર ગુજરાત ATSએ બે ગુજરાતના મળી ચાર શખસને ઝડપી પાડ્યા છે. આ ચારેય લોકો અલગ અલગ પાંચ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરતા હતા અને ભારતમાંથી લોકશાહી દૂર કરી શરિયત લાગુ કરવા સહિતના મુદ્દે ભડકાઉ લખાણ સાથે પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા. આ ચાર પૈકી એક આરોપી પાકિસ્તાનના લોકો સાથે પણ કનેકશન ધરાવતો હોવાની વિગતો સામે આવી છે ત્યારે ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસામાંથી ધરપકડ કરેલ મોહમ્મદ ફૈક રિઝવાન, મોહમ્મદ ફરદીન રઈસ, સેફુલ્લા કુરેશી રફીક અને ઝીશાન અલી સામે UAPA એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરુ કરી છે.
આ અંગે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 10મી જૂનના રોજ પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. આ પાંચ એકાઉન્ટ અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા અને દેશવિરોધી કાર્યવાહી કરવા માટે બધાની ઉશ્કેરણી કરી રહ્યા હતા ત્યારે સૌથી પહેલા અમદાવાદનાં ફતેવાડીમાં રહેતા ફરદીનની અટકાયત કરવામાં આવી હતી જે બાદ અન્ય ત્રણેય ટીમ દ્વારા 3 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે તમામા આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ મેળવી આ કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.