હાથીનો મહાજન હાથીને માનવતા નેવે મૂકીને માર મારતો જોવા મળ્યો!!!
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ખાડીયા પાસેથી પસાર થતા સમયે ડી જે મ્યુઝીકના ઉંચા અવાજ ભડકી ગયેલા ૩ હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઇ હતી જે બાદ હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીખાના પરિસરમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો હાલ વાઈરલ થઇ રહ્યો છે જેમાં હાથીનો મહાવત માનવતા નેવે મુકીને નિર્દોષ હાથીને ફટકા મારતો જોવા મળી રહ્યો હતો. હાથીને જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગન્નાથ મંદિરનું હાથીખાનું છે ત્યારે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વીડિયો અંગે ખરાઇ કરવા માટે રિપોર્ટ માંગ્યો છે જેના આધારે આગામી દિવસોમાં હાથીને માર મારનાર મહાજન અને તેની સાથે જોવા મળતા અન્ય શખ્સ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રૂંવાડા ઉભા કરી દેતો આ વીડિયો વાઈરલ થતા પ્રાણી પ્રેમીઓમાં તેમજ ભગવાન જગન્નાથજી મંદિરમાં દર્શન કરવામાં આવતા લોકોમાં રીતસરનો રોષ જોવા મળી રહ્યો છે અને નિર્દોષ હાથીને મારનાર મહાવત જ નહી પણ મંદિરના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. જો કે આ વિડીયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાનો તે સ્પષ્ટ થઈ શક્યું નથી અને હજુ સુધી મંદિર તરફથી પણ કોઇ જવાબ મળ્યો નથી ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે અને જવાબદારો વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.