હાઇકોર્ટના સિનિયર વકીલ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન જજની સામે બીયર પીતા નજરે પડ્યા !!!
ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક સિનિયર વકીલ બિયર પીતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલાની નોંધ લેતાં હાઈકોર્ટે વકીલ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી છે. આ વીડિયો 26 જૂનનો છે જેમાં સિનિયર વકીલ ભાસ્કર તન્ના જસ્ટિસ સંદીપ ભટ્ટની સામે બિયર પીતાં દેખાય છે જેથી અવમાનનાની કાર્યવાહી ચલાવતાં જસ્ટિસ એ. એસ. સુપેહિયા અને જસ્ટિસ આર. ટી. વાછાણીની બેન્ચે તન્નાના વર્તનને અપમાનજનક ગણાવ્યું છે અને આ વકીલને વર્ચ્યુઅલ મોડમાં તેમની સામે રજૂ થવાથી રોક લગાવી દીધી છે. હવે આ આદેશ ચીફ જસ્ટિસની સામે રાખવામાં આવશે અને જો મંજૂરી આપવામાં આવશે તો તેને અન્ય બેન્ચની સામે પણ સર્કુલેટ કરાશે.
થોડા દિવસો પહેલા પણ ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક માણસ ટોઇલેટમાં બેઠેલો જોવા મળ્યો હતો. જસ્ટિસ નિર્જર એસ દેસાઈ ચેક બાઉન્સ કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સમદ બેટરી નામનો એક માણસ ટોઇલેટ સીટ પર બેઠો દેખાયો હતો ત્યારે હવે વરિષ્ઠ વકીલ સુનાવણી દરમિયાન બીયર પી રહ્યા હોવાથી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, આવી કાર્યવાહી નવા વકીલોને અસર કરે છે કારણ કે તેઓ સિનિયર વકીલોને રોલમોડલ અને માર્ગદર્શક તરીકે જુએ છે. કોર્ટે રજિસ્ટ્રીને આગામી સુનાવણીમાં રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવાનો અને વીડિયો સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસની સુનાવણી બે અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.