સ્વચ્છતા સર્વેક્ષણ 2024 ના એવોર્ડ સમારંભમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે !!!
આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદ શહેરની પહેલા નંબરે પસંદગી કરવામાં આવી છે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં અમદાવાદ શહેરનો સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ નંબર આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી અભિનંદન આપવામાં આવ્યા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના ત્રણ શહેરને એવોર્ડ મળ્યો છે જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ નંબર આવતા મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર જય મિસ્ત્રી સહિતના અધિકારીઓ એવોર્ડ લેવા માટે નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને એવોર્ડ સ્વીકાર્યો હતો જેને લઈને અમદાવાદ અને સુરતમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી.