સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના હાથે ઝડપાયો 25,000 નો ઇનામી આરોપી !!!
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને ૨૫ હજારના ઇનામી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટના ગુનાની તપાસ ચાલી રહી હતી. આ ગુનામાં આર્થિક લાભ મેળવવા ગુનાહિત કાવતરું રચી, ખોટા અને બનાવટી પાસપોર્ટ તથા દસ્તાવેજો બનાવી, લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવતા હતા. જે રેકેટમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ સાથે સંકળાયેલો તેનો ભાગીદાર અને એજન્ટ બિપિન દરજી ઘણા સમયથી ફરાર હતો જેને વિજાપુર ચોકડીથી પોલીસે ઝડપી લીધો હતો. બિપિન દરજી ઉપર પોલીસે ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના ધંધામાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલનો ભાગીદાર હતો. તેનું કામ અમેરિકા જવા ઈચ્છુક ગ્રાહકોને લાવવા, તેમના ડોક્યુમેન્ટ ભેગા કરી ફાઈલ બનાવવી, કઈ ફાઈલ કયા એજન્ટને આપવી અને ગ્રાહકના પેમેન્ટની જવાબદારી અન્ય આરોપીઓ સાથે મળીને સંભાળવાની હતી. સાથે જ તેણે જણાવ્યું હતું કે, ગુનો દાખલ થયા પછી છેલ્લા અઢી વર્ષથી તે વિસનગર, મહેસાણા, ઊંઝા તેમજ રાજસ્થાનના અને ત્યારબાદ મુંબઈ ખાતે નાસતો ફરતો હતો ત્યારે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી મળેલી માહિતીના આધારે તેને વિજાપુર ચોકડી ખાતેથી ઝડપી લીધો હતો.