બિલ્ડર પર રૂપિયાની લેતીદેતી મામલે ૬ રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ !!!
અમદાવાદમાં 11 જુલાઈએ મોડીરાત્રે 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે ત્યારે હવે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે જેમાં 3 શખ્સો રોડની ફૂટપાથ પર કોઈની રાહ જોઈ રહ્યા હોય તે રીતે ઉભા છે બાદમાં થોડીવાર પછી એક ગ્રીન કલરની ટી-શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી નીકળી જાય છે અને થોડીજ વારમાં એક પઠાણી કુર્તો પહેરેલા શખ્સ સાઇડમાં દિવાલ પર કોઈ ડંડા જેવી વસ્તુ લઇને એક્ટિવા જેવા વાહનની સાઇડમાં મૂકે છે જે બાદ પાછળથી એક શખ્સ આવીને ટુ-વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે છે બાદમાં ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાયમાં 8 કરોડની લેતીદેતી મામલે પટવા શેરી પાસે ઝહૂરૂદ્દીને નાસીરખાન પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી ત્યારે આ ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઝહુરૂદ્દીનને પકડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી બિલ્ડર પિસ્તોલને સાબરમતી નદીમાં ફેંકી ફરાર થઇ ગયો હતો. આ અંગે ડીસીપી ઝોન-૨ ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપી પાસે રહેલી પિસ્તોલ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે અને હાલ પિસ્તોલ શોધવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.