દેશભરમાં સરકારી કર્મચારીઓએ નવી પેન્શન યોજના ને લઈને શરૂ કર્યું આંદોલન !!!
દેશભરના સરકારી કર્મચારીઓએ નવી પેન્શન યોજનાને લઈંને આજથી આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કર્યા છે જેમાં સરકારના સાંસદો અને ધારાસભ્યો માટે હજુ જૂની પેન્શન યોજના ચાલુ છે તો સરકારી કર્મચારીઓ માટે શા માટે દબાણપૂર્વક નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે એવા સવાલ સાથે આજથી દેશભરના સરકારી કર્મીઓ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોષ માર્ચ જૂની પૅન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા, અને આઠમાં પગારપંચની અધિકૃત રીતે નિમણૂક કરવાની મુખ્ય માંગણીઓ સાથે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, યુનિવર્સિટીઓ, કોલેજો સહિત વિવિધ વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓએ ભાગ લીધો છે.
આ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે ગુજરાતમાં પણ લાખો સરકારી કર્મચારીઓને અસર કરતી સામૂહિક માંગણીઓ ઉઠાવવા માટે અમદાવાદમાં એક રેલી યોજાઈ હતી. અમદાવાદમાં આ માર્ચ ભદ્રકાળી માતા મંદિર, લાલ દરવાજાથી સવારે 9:15 વાગ્યે શરૂ થઈ હતી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં વિવિધ વિભાગો અને સંસ્થાઓના કર્મચારીઓ જોડાયા હતા ત્યારે આ આંદોલન શાંતિપૂર્ણ અને બિન-રાજકીય હોવાનું આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જે કાર્યકારી વર્ગ દ્વારા સરકારને આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવા માટેની એક જનઆંદોલન પહેલ છે.