
ગુજરાત રાજ્યના તમામ ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂની પરંપરાગત રીતે મતદાન કરવામાં આવ્યું !!!
ગુજરાત રાજ્યની 8326 ગ્રામ પંચાયત માટેની ચુંટણીનું આજે વહેલી સવારથી મતદાન શરુ થયું છે જેમાં ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે કુલ 85 લાખ જેટલા ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે જેને પગલે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને આગામી ૨૫ જુનના રોજ મત ગણતરી કરવામાં આવશે. ગ્રામ ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે.
આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં EVM નો ઉપયોગ ન કરીને પરંપરાગત મતપેટીઓ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાં 10,479 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે જ 28 મે, 2025 થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે જે 27 જૂન, 2025 સુધી લાગુ રહેશે આ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓની બદલી અને રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની જાહેરાતો કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે ત્યારે તમામા મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.