કાંકરિયાના એકા ક્લબમાં સ્વિમિંગ પુલની દિવાલ તૂટી !!!
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબ ખાતે આયોજિત પાંચમા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં આજે એક અણધારી ઘટના બની હતી જેમાં ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પૂલની દીવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું જેને પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના બની ત્યારે છત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો અને તરત જ પાણીનો પ્રવાહ નીચે આવવા લાગ્યો જેના કારણે યુદ્ધના ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો
આ ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પૂલનું પાણી પણ ખાલી કરી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી જયારે સાવચેતીના ભાગરૂપે દુકાનો અને શો રૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક અહી પહોચી હતી અને જરૂર મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ અમુક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી ત્યારે એકા ક્લબના મેનેજમેન્ટને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને તેઓનાં દ્વારા સ્ટ્રક્ચરલ તેમજ આર્કિટેક એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે.