અસ્થિર મગજના પુત્રએ પોતાના જ પિતાનું કાસળ કાઠી નાખ્યું !!!
સેટેલાઈટ માનસી ટાવર નજીક આવેલા વૈભવ ટાવરમાં માનસિક રીતે અસ્થિર પુત્રએ તેના તબીબ પિતાની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે જેમાં માનસિક રીતે અસ્થિર પુત્ર રાત દિવસ રૂમમાં એકલો પૂરાઈ રહેતો હતો અને આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતો હતો અને કોઈ તેને બોલાવે તો ઝગડો કરતો હોવાથી દીકરાના ત્રાસથી કંટાળીને માતા અને બહેન છેલ્લા 6 મહિનાથી અલગ રહેવા જતા રહ્યા હતા જેથી તેના પિતા નરેશભાઇ તેને અલગ રાખીને રહેતા હતા ત્યારે કોઈ બાબતે પિતા સાથે ઝઘડો થતા પુત્રએ છરીના ૨ ઘા મારી પિતાની હત્યા નીપજાવી હતી જે બાદ આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો.
નરેશભાઇ દિવસના સમયે વસ્ત્રાપુર તેમના ઘરે નિયમિત રીતે જતા હતા. પરંતુ, શનિવારે બપોર સુધી તે વસ્ત્રાપુર જમવા માટે ગયા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. જેથી તેમની પત્ની અને પુત્રી વૈભવ ટાવરમાં આવેલા ફ્લેટમાં તપાસ કરવા ગયા ત્યારે જોયુ તો નરેશભાઇનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે સેટેલાઇટ પીઆઈ વી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, પિતાની હત્યા કર્યા બાદ વરુણ દિલ્હી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના સીસીટીવી કેમેરામાં રાતે 1.30 વાગ્યે વરુણ બહાર જતો દેખાયો હતો જેના આધારે પોલીસે તેને ટ્રેક કરતા તે દિલ્હી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ જેથી સેટેલાઈટ પોલીસની ટીમ દિલ્હી જવા રવાના કરવામાં આવી છે.