અમદાવાદના માધુપુરામાં બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો !!!
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ગતરોજ રાત્રીના સમયે બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે માધુપુરા વિસ્તારમાં સુતરીયા સોસાયટી નજીક એક જૂથના વ્યક્તિએ બીજા જૂથના યુવકને એક્ટિવા અથડાવી દીધી હતી જે બાદ થોડીવારમાં આ મામલો એકદમ ઉશ્કેરાટમાં પલટાઈ ગયો હતો અને ધીમેધીમે બંને જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોઈ વાત આગળ વધે તે પહેલા જ બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જો કે બે દિવસ પહેલા જ અમદાવાદના કારંજ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બાદ હવે માધુપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવતા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
એક્ટિવ અથડાવા જેવી સામાન્ય બાબતે એકબીજા પર પથ્થરમારો કરવા મામલે કોઈ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહી દોડી આવ્યા હતા અને ટોળાને વિખેર્યા હતા. સમગ્ર મામલે માધુપુરા પોલીસે હાલ 10 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.