અમદાવાદના સરખેજ રોજાના મજ્જીદના ગુંબજ ચોરીનો ભેદ ઉકેલાયો…!!!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જેમાં ચોરી કરાયેલા પંચધાતુના કળશના ટુકડા સાથે પાટણની ગેંગના ચાર સાગરિતોને પોલીસે ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચોરી કરતી ગેંગને શંકા હતી કે, સરખેજ રોજાની સાઇટ હેરીટેજ હોવાથી આ કળશ સોનાનો છે જેથી તેઓએ ચોરીની યોજના બનાવી હતી અને અહીંથી કળશ ચોરી કરી ફરાર થઇ ગયા હતા ત્યારે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી હેરીટેજ સાઇટ પરથી કળશની ચોરીની ઘટનાને ગંભીરતાથી લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આ ચોરીમાં મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં રહેતી એક તસ્કર ગેંગ દ્વારા કરવામાં આવી છે અને આ ગેંગના કેટલાંક સભ્યો કળશના ટુકડા કરીને વેચાણ કરવા માટે ગ્રાહકો શોધી રહ્યા છે જેના આધારે પોલીસે ચોરીના કળશના ટુકડા સાથે સુરેશ દંતાણી, ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણીને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ચાર આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજીત રાજીયાને જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ રેકી કરી હતી અને ગુંબજ પરથી કળશને નીચે ઉતારવા માટે દોરડાનો ઉપયોગ કર્યો હતો.